Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેરિકેડ્સ કૂદીને પિચ સુધી પહોંચનાર ધોનીનો 'જબરા ફેન' ભાવનગરનો નીકળ્યો, પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી
Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. જેમાં એક ફેન બેરિકેડ્સ કૂદીને ગ્રાઉન્ડમાં રહેલા મહેન્દ્રસિંહ ધોનીને મળવા પહોંચી ગયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને તે યુવકને ઝડપી પાડ્યો છે.
હકીકતમાં શુક્રવારે સાડા 7 કલાકે મેચ શરૂ થઈ હતી. આ દરમિયાન બીજી ઈનિંગ્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ વખતે સ્ટ્રાઈક પર મહેન્દ્રસિંહ ધોની બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન સાડા 11 વાગ્યાની આસપાસ 19.3 ઑવર વખતે એક યુવક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બેરિકેડ્સ કૂદીને ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો. જે બાદ યુવક પિચ સુધી પહોંચી ગયો હતો. જ્યાં તે ક્રિઝ પર રહેલા મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગ્યો હતો. જો કે આ સમયે સ્ટેડિયમમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મીઓ યુવકને પકડીને બહાર લઈ ગયા હતા.
પોલીસની પૂછપરછમાં આ યુવકની ઓળખ જય જાની તરીકે થઈ છે અને તે પોતાને ધોનીનો ફેન્સ ગણાવી રહ્યો છે. જય ધોનીને મળવા માંગતો હોવાથી તે બેરિકેડ્સ કૂદીને પિચ સુધી પહોંચી ગયો હતો.
જય પોતાના ભાઈ પાર્થ જાની સાથે ભાવનગરથી મેચ નિહાળવા માટે અમદાવાદ આવ્યો હતો. આ માટેની ટિકિટ પાર્થે પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન બુક કરાવી હતી.
પોતે ધોનીનો ફેન હોવાથી ચાલુ મેચ દરમિયાન તે બેરિકેડ્સ કૂદીને ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને જય જાની નામના ધોનીના ફેનની ધરપકડ કરી છે.